બોટાદ: બોટાદ જિલ્લા એસપી કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગના સંયુક્ત આધારે ધામધૂમપૂર્વક યોજાઈ હતી. આ અવસરે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન અધિકારીઓએ શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, માર્ગ સુરક્ષા તથા અકસ્માત નિવારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સાથે અન્ય લોકોને પણ નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યો હતો.
માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા અને લોકોમાં ટ્રાફિક શિસ્ત કેળવાય તે હેતુથી માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ પેમ્પલેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.