બોટાદ પાળીયાદમાં કરિયાણા વેપારીની હેવાનિયત: 12 વર્ષની બાળકી પર અત્યાચાર, પોલીસે ધરપકડ કરી – BOTAD NEWS
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કરિયાણાની દુકાન ચલાવતા એક આધેડ વયના શખ્સે 12 વર્ષની સગીરાની માસૂમિયત ની સાથે ખિલવાડ કર્યો છે . આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લઈને કાયદાનું ભાન કરાવ્યું છે.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી
આ બનાવની જાણ થતા જ સગીરાના પરિવારે હિંમત રાખી પાળીયાદ પોલીસ મથકે જેરામ ભાલાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને જોતા બોટાદના ડીવાયએસપી (DySP) મનીષા દેસાઈ એ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા:
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.